રાજકોટ: ભૂમાફિયા બલી ડાંગરની ધરપકડ, કહ્યું- આનંદીબેન, મોહન ઝાએ ફસાવ્યો

રાજકોટ: રાજકોટમાં પોલીસને નાકે દમ લાવનાર કુખ્યાત ભૂમાફિયા બલી ડાંગરને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે. તેના અન્ય ત્રણ સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવી છે. આજે તેને મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે તેણે આનંદીબેન અને શહેરના ભૂતપૂર્વ પોલીસ કમિશનર મોહન ઝા પર આરોપ લગાવ્યો હતો. તેણે બરાડા પાડીને કહ્યું હતું કે, મને આનંદીબેન અને મોહન ઝાએ ફસાવ્યો છે. બલી ડાંગર સામે અનેક ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઇ ચૂકી છે. ગુનાહિત પ્રવૃતિઓ આચરનાર બલી ડાંગર નાસતો ફરતો હતો.
બલીને પકડવા પોલીસ બુલેટપ્રૂફ જેકેટ પહેર્યા હતા
રાજકોટના બેટી ગામ પાસેથી ભૂમાફિયા બલી ડાંગરને ઝડપવા માટે આખી રાત રાહ જોવી પડી હતી. બેટી ગામ અને ગામમાં રસ્તા તરફ જતાં રસ્તા પર પોલીસ બુલેટપ્રૂફ જેકેટ અને હેલ્મેટ પહેરીને ગોઠવાઈ ગઈ હતી. જેવો તે આવી પહોંચ્યો કે તરત તેને દબોચી લીધો હતો. પોલીસને બલી ફાયરિંગ કરશે એવો ડર હોવાથી બુલેટપ્રૂફ જેકેટ અને હેલ્મેટ પહેર્યા હતા.
ગુજરાત રાજસ્થાનમાં સમયાંતરે ફરતો રહ્યો
બલી તેના સાગરિતો સાથે સમયાંતરે રાજસ્થાન, ભાવનગર, જૂનાગઢ, સરદારપુરા ગામ (તા.ભેંસાણ), ચોટીલા,ધૂધરાળા ગામ (તા.બાબરા), મોરબી સહિતના જગ્યાએ ફરતો રહેતો હતો.
અપહરણ, ખંડણી, ખૂનની કોશીષ સહિતના ગુના આચરનાર બલી ડાંગર હથિયારો સાથે ઝડપાયો
બલી ડાંગર પર લૂંટ, અપહરણ, ખૂનનો પ્રયાસ સહિતના અનેક ગુના છે. ગુનામાં નાસતા ફરતા બલી ડાંગરને રાજકોટ પોલીસે ચોટીલા પાસેથી ઝપડી પાડી તેની પાસે રહેલા હથિયારો પણ કબજે કર્યા હતા. પોલીસે તેના ત્રણ સાગરીતો અર્જુન જલુ, અર્જુન ડાંગર અને સિકંદરની પણ ધરપકડ કરી છે.
બલી ડાંગરનો ગુનાહિત ઇતિહાસ
જુલાઇ 2015માં સોખડા ગામના બે ભરવાડ યુવાનો અરજણ અને મહેશને કાલાવડ રોડ ઉપર બોલાવી ત્યાંથી અપહરણ કરીને કારમાં લઇ ગયા હતા અને અવાવરું જગ્યાએ લઇ જઈને બેફામ માર મારવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં ભોગ બનનાર શખ્સોએ કુખ્યાત ભૂમાફિયા બલી ડાંગર અને તેના સાગરીતોનું નામ આપ્યું હતું અને જણાવ્યું હતું કે 4 વર્ષ અગાઉ થયેલી હત્યામાં આ બંને ભરવાડ શખ્સોએ હત્યા કરી હોવાની પોલીસ પાસે કબૂલાત આપવામાં આવે તેવું બળજબરી પૂર્વક કહીને માર મારવામાં આવ્યો હતો.
જમીન કૌભાંડ
માલિયાસણની જમીન કૌભાંડમાં પાંચ કરોડની ખંડણી માગવાનો અગાઉ રાજકોટ ક્રાઇમબ્રાંચમાં ગુનો નોંધાયા બાદ તત્કાલીન સમયે ભૂમાફિયા બલી ડાંગરની ધરપકડ થઇ હતી અને તે ગોંડલ સબજેલ હવાલે થયો હતો. બીમાર માતાની સારવાર માટે બલી ડાંગરને 15 દિવસના વચગાળાના જામીન મળતાં તે જામીન પર છૂટ્યો હતો અને 15 જુલાઇ 2015ને બુધવારે સાંજે પાંચ વાગ્યે વચગાળાના જામીન પૂરા થતાં તેને ગોંડલ સબજેલમાં હાજર થવાનું હતું. પરંતુ બુધવારના રાતના નવ વાગ્યા સુધી તે ગોંડલ સબજેલમાં હાજર થયો નહોતો.
સ્કોર્પિયો કારમાં આવી ઘર પર કર્યું હતું અંધાધૂંધ ફાયરિંગ
જમીન કૌભાંડ સહિત અનેક ગુનાઓમાં સંડોવાયેલો અને પેરોલ પર છૂટ્યા બાદ હાજર થયેલા બલી ડાંગર ગેંગે બે વર્ષ પહેલા મોડી રાત્રે છગન નથુ મુંધવા નામના ભરવાડ શખ્સના ઘર ઉપર અંધાધૂંધ ગોળીબાર કરતા છગન મુંધવા ઘવાયો હતો. બલી ડાંગરને ઈજાગ્રસ્તના મામા મહેશ ગમારા નામના નામચીન શખ્સ સાથે આઠ વર્ષ પૂર્વે ડખ્ખો થયો હતો. મહેશ ગમારા છગન મુંધવાના ઘરે ગયો હોવાની જાણ થતાં સ્કોર્પિયો કારમાં આવી ઘરમાં ઘૂસીને ફાયરિંગ કર્યાનું છગન મુંધવાએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું. બે વર્ષ પહેલા દિવાળીની રાત્રે બિલ્ડર કમલેશ રામાણીના ઘર બલી ડાંગરના સાગરીતોએ ફાયરિંગ કર્યું હતું.