પૂ.શ્રી જયંતભાઈ ડાહ્યાલાલભાઈ "રાહી"-
પરમઉપકારી પૂ.ગુરૂવર્ય શ્રી જયંતભાઈ "રાહી" એટલે જેના રોમે રોમે નવકાર મહામંત્રનો વાસ છે. જીભ પર 'મા' સરસ્વતીદેવીનો વાસ છે. સુમધુર સુરાવલીઓ જેના કંઠે વહે છે, એવા જિનશાસનના ઉચ્ચ કોટીના સંગીતકાર, જેમણે ૫૦-૫૦ વર્ષથી અખંડ પણે સુર અને સંગીતની એકધારી સાધના-આરાધના કરી છે. "સ્વરથી ઈશ્વર સુધી" ની આ યાત્રા અત્રે ૫૧માં વર્ષમાં પ્રવેશી રહી છે. પિતાશ્રી ડાહ્યાલાલની સમતા અને વાત્સલ્યની વીરડી સમા રત્નકુક્ષી માતુશ્રી વિમળાબેનની મમતા લઈને અષાઢી પૂર્ણિમા(ગુરૂ પૂર્ણિમા) ના શુભ દિને ઈ.સ.૧૯૪૨માં પાટણ જેવી ઐતિહાસિક નગરીમાં જન્મ ધારણ કરી, શૈશવ કાળમાં માતા-પિતા પાસેથી ધાર્મિક સુસંસ્કારોનું ભાથું લઈ, આપશ્રી સન ૧૯૬૧માં મુંબઈ પધાર્યા. સક્ષમ વિધિકાર તરીકે ૧૨૫ (સવાસો) ઉપરાંત અંજન શલાકા તેમજ અસંખ્ય પ્રાણપ્રતિષ્ઠાઓ કરાવી મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યુ. સન ૧૯૯૫માં પ.પૂ.આ.ભ.શ્રી જયશેખર સૂરિશ્વરજી મ.સા. ની પ્રેરણાથી સૌ પ્રથમ નવકાર ભાષ્ય જાપ ચેમ્બુર તિર્થે માનનીય શ્રી કેશવજીભાઈ છાડવા આદિ મહાનુભાવોની ઉપસ્થિતીમાં કરાવ્યા. ત્યારથી તે આજસુધી ૨૧-૨૧ વર્ષના વહાણા વાયા, આ અખંડ નવકાર ભાષ્ય જાપ આજે પણ મુંબઈના વિવિધ સેંટરો, જેવા કે શ્રી આદેશ્વરજી જિનાલય -ચેમ્બુર તિર્થ - શ્રી નમિનાથજી દેરાસર-પાયધુની, શ્રી જિરાવલ્લા પાશ્વનાથજી દેરાસર-ઘાટકોપર (પૂર્વ), શ્રી આદિનાથજી જિનાલય અનંતસિધ્ધિ-ભાંડુપ (પ.) તેમજ અન્ય વિવિધ સેંટરોમાં અવિરતપણે ચાલે છે.
નવકારમંત્રનો પ્રચાર અને પ્રસાર જ એમના જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
અને સાધર્મિક ઉત્કર્ષ અભિયાન એટલે સાધર્મિક ભક્તિ એ એમના જીવનમાં બાળપણથી જ વણાયેલી છે. એમના જીવનસંગિની સૌ.સુશીલાબેન રાહી ના સાથ-સંગાથે તેઓ અત્યાર સુધી અવિરતપણે આ સાધર્મિક ઉત્કર્ષ અભિયાન સતત ચલાવી રહ્યા છે...
તા.૧૧-૧૦-૧૯૯૫ ના સૌ પ્રથમ નવકાર ભાષ્યજાપ વખતે શ્રી ચેમ્બુર તીર્થે પૂ.માતુશ્રી મણીબેન કેશવજીભાઈ ઉમરશી છાડવાના કરકમલો દ્વારા "બૃહદ મુંબઈ પંચપરમેષ્ઠી પરિવાર"ની શુભ સ્થાપના થઈ.બૃહદ મુંબઈ પંચ પરમેષ્ઠી પરિવાર (બી.એમ.પી.પી.પી.):-
સન ૧૯૯૫માં ચેમ્બુર તીર્થે સ્થપાયેલ આ પરિવારે (સંસ્થાએ) છેલ્લા ૨૧-૨૧ વર્ષોથી પૂ.શ્રી રાહી સાહેબ ના માર્ગદર્શન હેઠળ પોતાની આગવી શૈલીથી અનેકવિધ ધાર્મિક પ્રવૃતિઓ તેમજ નવકાર વિષયક પ્રવૃતિઓ કરી છે. આજે આ પરિવાર ઘણો વિકસીત બન્યો છે.
એની સ્થાપના વખતના પ્રથમ પ્રમુખ શ્રી હરિશભાઈ ગગુભાઈ છાડવાની સેવાઓ ખુબજ નોંધનીય રહી છે. ૧૯૯૫ થી ૨૦૦૮ સુધી અનેક વિધ પ્રવૃતિઓ થઈ. પછી તેઓ ટ્રસ્ટી પદે નિમાતાં એમના અનુગામી ભાઈશ્રી રમેશભાઈ લાલજી સોની એ પણ પ્રમુખ પદે રહીને સરસ રીતે કાર્યભાર સંભાળ્યું છે. એમની સાથે ઉપપ્રમુખ પદે શ્રી નરેદ્રભાઈ રણશી સંગોઈ તેમજ શ્રી સોમચંદભાઈ વેલજી લોડાયા ની કામગીરી પણ પ્રશંસનીય રહી. તા.૯-૯-૨૦૦૯ ના "મહામંત્ર શ્રી નવકાર ભાષ્યજાપ" નું ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોગીસભાગૃહ-દાદર ખાતે યોજાયું, જેનું "લાઈવ ટેલીકાસ્ટ" સંસ્કાર ચેનલ દ્વારા દેશ-વિદેશના લગભગ ૧૭૦+ દેશોમાં થયું. એના લાભાર્થી તરીકે સંસ્થાના ચેરમૈન પદે રહી ચૂકેલ શ્રી દલપતભાઈ પુખરાજજી જૈન (મલ્લેશા) પરિવાર (ખિવાંદી-રાજ.-દાદર) હતો. પરિણામ સ્વરૂપ આજે દેશ-વિદેશમાં નવકાર જાપના સતત ભવ્ય આયોજનો થાય છે. વિશ્વભરમાં નવકાર મહામંત્ર ગુંજી રહ્યું છે. બી.એમ.પી.પી. પરિવાર દર વર્ષે દાતાશ્રીઓના સથવારે વિરાટ નવકાર ભાષ્યજાપનું આયોજન કરે છે, જેનું દેશ-વિદેશમાં "લાઈવ ટેલીકાસ્ટ" થાય છે. આ ઉપરાંત સંસ્થા દેશના જૈન સમાજના શાસન સમર્પિત પૂણ્યાત્માઓનું "પરમેષ્ઠી રત્ન એવોર્ડ" દ્વારા બહુમાન પણ કરે છે.
સંસ્થા 'સાધર્મિક ઉત્કર્ષ અભિયાન'ના ઉપક્રમે અનેક સાધર્મિક પરિવારોને વિવિધ રૂપે સહાય કરે છે. બાળ શિબિરો યોજી બાળકોને નવકાર મહામંત્ર જાપ અને એ દરમ્યાન કરાતી મુદ્રાઓ વિષે સમજાવી એમને અભ્યાસમાં આ કેટલું ઉપયોગી નિવડે એની સમજણ આપે છે. યુવા શિબિરો પણ યોજાય છે. દેશના વિવિધ મોટા શહેરો જેવા કે અમદાવાદ, ગાંધીધામ, ભુજ, સૂરત, વડોદરા, ચેન્નઈ, બેંગલોર, હૈદ્રાબાદ, કોચીન, ભાવનગર, પાલીતાણા, બારામતી જેવા અનેક શહેરોમાં પૂ શ્રી રાહીસાહેબ ના નવકાર જાપનું આયોજન થાય છે. અને એ રીતે નવકાર જાપનું પ્રચાર-પ્રસાર થાય છે. શ્રધ્ધાયુક્ત જપાતો આ મંત્ર ક્યારેય વિફલ જતો નથી અને આવી પડતા સંકટો સામે કવચ બની રહે છે. આપણી આ સંસ્થા આવા ઉત્કૃષ્ટ કાર્યો કરી, ધર્મ આરાધના સહ સામાજીક સેવાનું કાર્ય અવિરત પણે કરી રહી છે અને કરતી રહેશે.


"ઘર ઘર ગુંજે શ્રી નવકાર,
એજ અમારો છે નિર્ધાર"